ઘણા સમયથી કોલેજનાં મિત્રોને મળવાનું પ્લાનીંગ ન્હોતું બનતું .... ફોન-ઓર્કુટ-ફેસબુક દ્વારા એકબીજાનાં સંપર્કમાં તો ખરા જ, પણ રુબરુ મળવાની મજા વિશેષ હોય છે. એ સાકાર થયું ૨૨ જાન્યુઆરીએ. ભુપેન્દ્ર પટેલનાં લગ્ન નિમિત્તે અમે સાત મિત્રો ( કનક, વિરેન, દિલીપ, રીતેશ, રાઘવ, સંદીપ અને હું ) ગુંછળી ગામે એકઠાં થયાં. ( ભુપાનું પોસ્ટલ એડ્રેસ : ગુંછળી, મુ.પો. બિલીયા, તા. વિજાપુર, જિ. મહેસાણા - આટલું લખો તોયે પત્ર યોગ્ય ઠેકાણે પહોંચી જાય ! )
સરસ પ્લાનીંગ હોવા છતાં સંદીપ અને હું મોડા પહોંચ્યા. ( murphy's law, યુ સી ! ) બપોરે અઢી વાગ્યે રંગાકુઈ ગામના પાટીયે રાઘવ અમને રીસિવ કરવા પહોંચી ગયો. કૃષિવિજ્ઞાનનાં નિષ્ણાતની જેમ રાઘવે બાજુનાં ખેતરમાં બટેટાનો પાક છે એમ અમને સમજાવ્યું.... પછી ખબર પડી કે તેને માત્ર એક જ પાક અંગે જ જાણકારી હતી. કંકોત્રીમાં ભોજન સમારંભનો ટાઈમ "૧૧ વાગ્યાથી આપના આગમન સુધીનો" હતો. એ કમીટમેન્ટનું ક્રોસ વેરીફીકેશન ત્યારે થઈ ગયું જ્યારે આ બે લેઈટ લતીફોને ત્રણ વાગ્યે વિશેષ હેતથી જમાડવામાં આવ્યાં.
ભુપાએ બે બાઈકની વ્યવસ્થા કરાવી આપી , અને અમે છ દોસ્તારો મહુડી અને સાબરમતી નદીનાં પટ સુધી ફરી આવ્યાં. સાંજે બેક ટુ ગુંછળી. રીતેશ આવી ગયો હતો. વાળું કર્યા બાદ ખાટલા પરિષદ. ભુપેન્દ્રનાં વડોદરામાં જોડે ME કર્યું હોય એ મિત્રો પણ હાજર હતાં. આટલા બધાં એન્જિનીયર્સ ગુંછળીમાં કદાચ પહેલી વખત ભેગાં થયાં હશે ! વિરેનનું મોઢું આવી ગયું હોવાથી તેનો વાણીવિલાસ મર્યાદિત રહ્યો. GECBનું કોણ ક્યાં છે ( અને ત્યાં શું કરે છે ) એની ખાસ્સી જાણકારી તે ધરાવે છે.
રાત્રે ગરબાનો કાર્યક્રમ હતો. ભુપાના લગ્નમાં આવડે તેવા ગરબા કરવા જોઈએ એવા શુભ આશયથી મેં એક રાઉન્ડ કર્યો. "તું ગરબા કરવાને લાયક નથી" એમ કહી રાઘવે મને પાછો બેસાડી દીધો. અમને બે ને છોડીને બાકી સૌ સરસ રમ્યા. છેલ્લે સનેડા પર ડાન્સ કરવાની મજા આવી.
દોઢ વાગ્યે સૌ ઉતારાની વ્યવસ્થા હતી ત્યાં જઈને સુઈ ગયાં. કનકે સવારમાં પાંચ વાગે ઊઠીને લાઈટ ચાલુ કરીને ઘણાંની મીઠી નીંદરમાં ખલેલ પહોંચાડી. ( અને ગાળો ખાધી - આટલો વહેલો તો વરરાજો પણ નહીં ઉઠ્યો હોય ! ) વરરાજાની ગાડી શણગારવામાં કનક અને રીતેશે મદદ કરી. જાન નજીકનાં ગામ આઝોલ નવેક વાગ્યે પહોંચી ગઈ હશે. ટીપીકલ પટેલ લગ્ન ....વિધીઓમાં કોઈને ખાસ રસ ન્હોતો. અમે ચાલીને દેશ-દુનિયાની ચર્ચાઓ કરતાં કરતાં તે ગામનું ક્ષેત્રફળ માપી આવ્યાં. ભોજન પશ્ચાત ભુપાને લગ્નજીવનની હાર્દિક શુભકામનાઓ પાઠવી સૌ છુટા પડ્યાં.
લગ્ન બાદ માઉન્ટ આબુ ફરવા જવાનું પ્લાનીંગ કેન્સલ કરીને રીતેશ, સંદીપ અને હું અમદાવાદ જવા ઉપડ્યાં. ત્યાં અવતાર (3-D) જોવાની અધુરી ઈચ્છા પુરી કરી. એક સુખદ આશ્ચર્ય : ઘનશ્યામ મળ્યો ! ઈસ્કોન સર્કલ પાસે હળવદની બસની રાહ જોઈ રહ્યો હતો . અમદાવાદ સ્થિત મારાં ભાઈ-ભાભી સાથે વાળું કરીને અમે ધેર જવા નિકળ્યા.
****
વિદેશમાં વસતાં તેમજ લગ્નમાં ઉપસ્થિત ન રહી શકનાર તમામ મિત્રોને આ લગ્નરિપોર્ટ સમર્પિત ! યસ , વી મીસ્ડ યુ > સોમીલ, પી.જી., ત્રાંગડિયા ! સારી ક્વોલિટીનાં ફોટાઓ સંદીપ picasaweb પર ટુંક સમયમાં અપલોડ કરશે.
અર્જુન મોઢવાડિયાના ઉભી લીટીવાળા ઝભ્ભા!
15 years ago